Surat City Bus Driver Strikes: સુરતમાં સચિન વિસ્તારમાં સિટી બસના પૈડા થંભી ગયા છે. સિટી બસના ડ્રાઇવરોને છેલ્લા 2 મહિનાથી પગાર ન થતાં હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સચિન સ્ટેશન ઉપર ગાડીની કતાર લાગી છે. પગાર ન મળે ત્યાં સુધી બસ હંકરવાનું બંધ થતા મુશ્કેલી ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના સતત આક્ષેપો પણ થતા રહે છે.  છેલ્લા બે મહિનાથી સિટી બસના ચાલકોનો પગાર ન થયો હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વિરોધ શરૂ કરાયો છે.




સિટી બસના ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ ઉપર કરે છે કામ
 
સુરત સિટી બસના ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. છેલ્લા બે મહિનાથી એમને પગાર ચૂકવવામાં આવ્યો નથી આજે 23 તારીખ થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી તેમનો પગાર આવ્યો નથી. આવનારા દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે પોતાના પરિવાર માટે ખરીદી કરવાના રૂપિયા પણ તેમની પાસે નથી. આવી સ્થિતિમાં સતત માત્ર કોન્ટ્રાક્ટરો દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને સમયસર તેમના હાથના પૈસા પણ આપવામાં આવી રહ્યા નથી, જેને લઈને આજે એકાએક જ સિટી બસના ડ્રાઇવર દ્વારા સચિન સ્ટેશન પાસે એકત્રિત થઈને તે રૂટની બસો ત્યાંજ ઊભી રાખી દીધી હતી જેને કારણે આખા રૂટનું સિટી બસનું ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું હતું.




પગાર નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી નહીં ચલાવે બસ
 
ઉધનાથી સચિન રૂટ ઉપર અંતિમ બસ સ્ટેન્ડ ખાતે ડ્રાઇવરોએ બસને ઉભી રાખી દીધી હતી અને જ્યાં સુધી પગાર ન ચૂકવવામાં આવે ત્યાં સુધી તેઓ બસ ચલાવશે નહીં એ પ્રકારની વાત સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર સાથે કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે સુરત મનપાના ડેપ્યુટી કમિશ્નર થી લઈને જવાબદાર અધિકારીઓની પણ ભૂમિકા મહત્વની છે તેમના દ્વારા યોગ્ય રીતે ધ્યાન અપાઇ રહ્યું નથી અને અકસ્માતો થઈ રહ્યા છે. બીઆરટીએસ રૂટ ઉપર ઘણી ટેકનિકલ ખામીઓ પણ સામે આવી રહી છે અને માસ્ટ ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના થઈ રહેલા શોષણ અંગે પણ તેઓ સતત મૌન રહેતા હોય છે.