તાપી: કુકરમુંડા તાલુકાના જળાશયમાં ડૂબી જતાં 2 બાળકોના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કુકરમુંડા તાલુકાના મોદલા ગામના બે બાળકો આમોદા ગામ નજીક આવેલ ઉકાઈ કેચમેન્ટના પાણીમાં ન્હાવા ગયા હતા. જ્યાં પાણીમાં ડૂબી જતાં બંન્નેના મોત નીપજ્યા છે. જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
નિહાલ નરેશભાઈ વસાવા અને નૈતિક રમેશભાઇ વસાવા નામના બાળકો ડૂબી જતાં મોત નીપજ્યા છે. બંને બાળકો ધોરણ 5મા અભ્યાસ કરતા હતા. જે બન્ને બાળકો શાળામાં ગેરહાજર રહી તાપી નદીમાં ન્હાવા ગયા હતા. બન્ને બાળકોના ડુબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યમાં ખેડૂતોની ફરી એક વખત ચિંતા વધી છે. હવામાન વિભાગે 1 અને 2 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ અથવા ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાશે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા આ ચાર જિલ્લામાં માવઠાની શકયતા છે. કચ્છ જિલ્લામાં 1 અને 2 માર્ચે સમગ્ર જિલ્લામાં માવઠાની શકયતા છે. અન્ય વિસ્તારમાં હવામાન પલટો જોવા મળશે, છુટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટના ભાગો જેમકે દ્ધારકા , જામનગર, પોરબંદરમાં હળવા ઝાપટા પડી શકે છે. મોરબીમાં અતિ ઘાટા વાદળ હોવાથી વરસાદી છાંટા પડી શકે છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.