Ukai Dam : ઉકાઈ ડેમની જળસપાટીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉકાઈ ડેમ ની સપાટી રૂલ લેવલને પાર થઇ ગઈ છે. ઉકાઈ ડેમનું ચાલુ માસનું રૂલ લેવલ 335 ફૂટ છે.હાલ ડેમની સપાટી 335.60 ફૂટ પર પોહચી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 1 લાખ 36 હજાર 683 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  ઉકાઈ ડેમના 12 દરવાજા નવ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી 1 લાખ 84 હજાર 660 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તાર ને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યાં છે. 


ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદ ને પગલે છેલ્લા ચાર દિવસથી ડેમના દરવાજાઓ તબક્કાવાર ખોલીને પાણી છોડવાની તજવીજ હાથ ધરી હતી, આજે ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીનો આવરો આવતા ડેમના 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને પાણી સતત છોડાઈ રહ્યું છે, જેને પગલે ડેમના ડાઉન સ્ટ્રીમ તાપી નદીની આસપાસના ગામો સહિત સુરતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.


ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી આવતા ડેમની સપાટી ઓગસ્ટ માસના રુલ લેવલ 335 ફૂટને પાર કરી જતા ડેમના સત્તાધીશોએ પાણી છોડવાની ગતિવિધીને વધુ તેજ કરી છે. ડેમના 


22 દરવાજાઓ પૈકી 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને 1.82 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામોના લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  બીજી તરફ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીની આસપાસના વિસ્તારના સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.


પાંચ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.


છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદની 35 ટકા જેટલી ઘટ છે. હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.