Unseasonable Rainfall in Gujarat: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલથી સળંગ ત્રણ દિવસ માટે રાજ્યમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે, ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે માવઠા પર એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં 25, 26 અને 27 નવેમ્બરે માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. 


આજે રાજકોટમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ પર મોટુ નિવેદન આપ્યુ છે, તેમને કહ્યું કે, રાજ્ય સરકાર માવઠા માટે તૈયાર છે, અમે પુરેપુરી તૈયારીઓ કરી લીધી છે, સરકારે અગાઉ કુદરતી આફતો સામે તૈયારીઓ કરી હતી, તેમને બિપરજૉય વાવાઝોડાને લઇને કરવામાં આવેલી તૈયારીઓ પણ પણ વાત કરી હતી. રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલે મોટુ નિવેદન આપતા કહ્યું કે, રાજ્યની સરકાર માવઠા માટે તૈયાર છે, કમોસમી વરસાદ આવવાનો જ નથી એ મારી માન્યતા છે, વરસાદ પડે તો પણ તમામ તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં માલ ના પલળે તે માટેની પણ ખાસ વ્યવસ્થાઓ કરાઇ છે. બિપરજૉયના સમયે પણ રાજ્ય સરકારે ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરી હતી જેના કારણે નુકસાન થયું ના હતું. આ ઉપરાંત ખાતરની અછત ને લઇને પણ કૃષિ મંત્રીએ કહ્યું કે, ખાતરની અછત નથી, ખાતર પહોંચાડવામાં વિલંબ હોઇ શકે છે. 


કમોસમી વરસાદની આગાહી


25 અને 26 નવેમ્બરે  સૌરાષ્ટ્ર કચ્છ,  ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે.  3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે. ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે. ડીસામાં માર્કેટયાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને લઈને ખેડૂતોને સૂચના આપી છે. પાટણ એપીએમસીએ પણ ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જાહેર કરી છે. ખેત પેદાશોને ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના અપાઈ છે.  


ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, 16.2 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ  રહ્યું


ભેજનું પ્રમાણ વધતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા 16.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી તો અમદાવાદમાં લઘુતમ તાપમાન  18.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરતનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. ગાંધીનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજકોટમાં 19 ડિગ્રી અને ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  નલિયા 16.02 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સુરત શહેરમાં  21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો જરોદાર ચમકારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં  બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.