વલસાડઃ પારડીના ખડકી ગામે 17 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પિતાએ ફોન બાબતે ઠપકો આપતાં દીકરીએ લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસને જાણ થતાં તેમણે લાશનો કબ્જો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ખડકી ગામે વચલા ફળિયુંમાં રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. ગત બુધવારે સિવણ કલાસ માટે ગઈ હતી. દરમિયાન પિતાએ દીકરીને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. સાંજે દીકરી ઘરે આવતાં પિતાએ મોબાઇલ સ્વીચ ઓફ રાખવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેથી દીકરીને માઠું લાગી ગયું હતું.
બીજા દિવસે એટલે કે, ગુરુવારે મોહિનીનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પડોશમાં રહેતી યુવતીએ મોહિનીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ જતાં તેને નીચે ઉતારી હતી તેમજ આજુબાજુના લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા.
આ પછી સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, તેને ત્યાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.