વલસાડઃ સેલવાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવતી સુસાઇડ કરવા એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી. ટેરેસ પરથી કૂદે એ પહેલા જ એના પિતાએ બચાવી લીધી હતી. યુવતી સુસાઇડ કરવાની જરૂર કેમ પડી એ કારણ અકબંધ છે. જોકે સમગ્ર ઘટના દરમિયાન આજુબાજુના લોકોએ બુમાબુમ કરતા યુવતીના માતા-પિતા દોડીને ટેરેસ પર પહોંચ્યા હતા અને યુવતીને સુસાઇડ કરતા બચાવી હતી. સમગ્ર ઘટનાના વિડિઓ લોકોએ બનાવ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.



અન્ય એક ઘટનામાં,  અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, છલાંગ લગાવતા પહેલા જ વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વ્યક્તિને પકડી લીધી હતી. બ્રિજ ઉપરથી છલાંગ લગાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. 

અન્ય એક ઘટનામાં ગઈ કાલે, વલસાડમાં ઘડોઈ ડેમ પર યુવક-યુવતી નદી પર ફસાતા એન.ડી.આર.એફ. દ્વારા બંનેનું 2 કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. ગત 22મીએ વહેલી સવારથી વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેને લઈને નદીઓમાં જળસ્તરમાં વધારો થયો હતો.


 


વલસાડ નજીક આવેલ ઘડોઈ ગામે એક યુવક અને યુવતી એકાંત માણવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં નદીમાં જળ સપાટી અચાનક વધી જતા બંને ત્યાં ફસાયા હતા. સમગ્ર ઘટનાને પગલે વલસાડના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાણ થતાં તેમના દ્વારા એનડીઆરએફને સ્થળ પર તુરંત રવાના કરી હતી, પરંતુ નદીમાં વહેણની ગતિ વધુ હોય જેને લઈને મુશ્કેલીઓ સર્જાય હતી. સમગ્ર મુશ્કેલીઓના અંતે યુવક અને યુવતીનું એનડીઆરએફ દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 


 


બપોરના 2 વાગ્યાની આસપાસ આ યુવક યુવતી નદીના કિનારે ટાપુ જેવા પથ્થર પર બેઠા હતા. જ્યાં અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા બપોરના નદીના ટાપુ જેવા પથ્થર પર ફસાઈ ગયા હતા. જ્યાં ગ્રામજનો ભેગા થઈ જતા વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનાની જાણ NDRFટીમને થતા NDRFની ટીમે સતત બે કલાકની જહેમત બાદ નદીમાં ફસાયેલ બંને યુવક યુવતીને બહાર કાઢ્યા હતા.