સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. ઉમરગામમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ અને પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ-વે પર વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા અને વાપી-મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા ખેરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સોસાયટીઓ અને રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલી બન્યું હતું.
વાપીનાં ગુંજન વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઘૂંટણ જેટલા પાણી ભરાઇ ગયા છે.લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાપીની બિલ ખાડી પણ ઓવરફ્લો થઈ છે. જેના કારણે આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરનાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતાં.
ફ્લેટનાં પાર્કિંગમાં પાણી ભરાતા વાહનોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. શહેરની અનેક દુકાનોમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ભરાતા વસ્તુઓ પાણીમાં પલળી હતી.