સુરત: ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે પોલીસકર્મીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપરાંત હવે શાકભાજી વેચનારા લોકોને પણ કોરોના પોઝિટિવ આવતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. સુરતમાં શાકભાજી વેચવાવાળાને કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 100થી વધુ શાકભાજી વિક્રેતાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. એલ. એચ. રોડ પર બે શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે. જેઓ લારી લઈ પુણા વિસ્તારમાં શાકભાજી વેચતા હતા. ત્યાર બાદ ઉધરસ ભૈયા ચાલ અને મોટી ચાલમાં પણ અનેક પોઝિટિવ આવ્યા છે. આ તમામ મોટા ભાગે શાકભાજી વેચનાર અથવા છૂટક મજૂરી કરનારા છે. આ ઉપરાંત માનદરવાજા ટેનામેંટમાં આવેલા અનેક કેસોમાથી મોટા ભાગે છૂટક મજૂરી અને શાકભાજી વાળા છે.



સુરતમાં કોરોનાના કેસો વધતા સુરત પોલીસ પણ વધુ કડક બની છે. પાંડેસરા વિસ્તારમાં લોકો લોકડાઉન વચ્ચે પણ મૉર્નિંગ વોક પર નીકળતા પોલીસે લોકોને પકડી ઉઠક બેઠક કરાવી હતી. શહેરમાં કર્ફ્યુના ભંગ કરનાર 25 લોકોની ધરપકડ કરાઈ છે. શહેરમાં કોરોનાગ્રસ્ત પાંચ પોલીસ મથકની હદમાં કર્ફયુ મુકવામાં આવ્યું છે. જયારે જાહેરનામાના ભંગ મુદ્દે પોલીસે 208 ગુના નોંધી 272 લોકોની ધરપકડ કરી છે. કર્ફ્યુના ભંગ બદલ અઠવા પોલીસે 9ની ધરપકડ કરી છે, જ્યારે લીંબાયત પોલીસે 6, લાલગેટ પોલીસે 3, સલાબતપુરા પોલીસે 5 અને મહિધરપુરા પોલીસે 2ની ધરપકડ કરી છે.