રાજયની અત્યંત આદ્યુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી વિજિલન્સ સ્કોર્ડ દ્વારા દરોડા પાડી બેરેકના સંડાસ અને ચોકડીમાં છુપાવેલો એક સીમકાર્ડ અને બે મોબાઇલ મળી આવતા સચિન પોલીસે તપાસ હાથ ધરી છે. લાજપોર મધ્યસ્થ જેલ રાજયની અત્યંત આદ્યુનિક જેલ ગણાય છે પરંતુ જેલમાં કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.
રાજયના જેલ વિભાગના વિજીલન્સ સ્કોર્ડ દ્વારા લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જેલના યાર્ડ નં B-8 ની બેરેક નં. 2 માં સંડાસની સામે ચોક્ડીમાં ઉપરના ભાગે કવરમાં છુપાવેલ સીમ કાર્ડ અને યાર્ડ નં. A-12 ની બેરેક નં. 5 માં સંડાસની ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.