સુરતઃ અમરોલીમાં પત્નીના જમાઇ સાથે આડાસંબંધની શંકા કરતાં તેમજ પત્નીને માર મારીને પૈસા પડાવી લેતા પતિની હત્યા કેસમાં કોર્ટે સાસુ-જમાઇને આજીવન કેદ તથા દંડ ફટકાર્યો છે. પાંચ વર્ષ પહેલા સાસુ-જમાઇએ મળીને સસરાની હત્યા કરી નાંખી હતી અને તેને અકસ્માતમાં ખપાવવાનું નાટક કર્યું હતુ. જોકે, અંતે હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું.


આ અંગેની વિગતો એવી છે કે, આજથી પાંચ વર્ષ પહેલા 20-7-15ના રોજ અમરોલી વિસ્તારમાં માલધારી સોસાયટીના કોમન પ્લોટમાં એક પુરુષની લાશ પડી હોવાની જાણકારી મળી હતી. જેથી અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં આ લાશ કોદર દુલીયા ભગોરાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃત્તકની પત્ની સુકનબેન તથા જમાઈ શિવા ભાનજી મહીડાની બનાવ અંગે પુછપરછ હાથ ધરી હતી.

સાસુ-જમાઇએ કાવતરા પ્રમાણે, મૃત્તક કોદરભાઈ પાનબીડી લેવા રસ્તો ક્રોસ કરતાં કોઈ વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાથી તેમનું મોત નિપજ્યું હોવાનુ જણાવ્યું હતું. જો કે, બનાવની રાત્રે મરનાર તથા તેની પત્ની-જમાઈ વચ્ચે ઝઘડો થયો હોવાની પાડોશીઓ પાસેથી માહિતી મળતા પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં આરોપી સુકનબેન તથા જમાઈ શિવા મહીડાએ મરનારની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.

મૃત્તક કોદરભાઈ કોઈ કામધંધો કરતાં નહોતા. તેમજ આરોપી પત્ની સુકનબેન તથા જમાઈ શિવા મહીડા સાથે મજુરી કામ કરવા જતી હોઈ તેમની વચ્ચે આડાસંબંધની શંકા રાખતા હતા અને મજુરીના પૈસા પડાવીને માર મારતા હતા. બનાવની રાત્રે સાસુ-જમાઈએ એકસંપ કરીને કોદરભાઈને પત્થર વડે છાતી અને માથાના ભાગે ઘા મારી હત્યા કરી હતી.

આ કેસમાં અમરોલી પોલીસે પતિની હત્યાના ગુનામાં પત્ની સુકનબેન ભગોરા તથા તેના જમાઈ શિવા મહીડાની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. આ કેસમાં ગઈ કાલે એડિશનલ સેશન્સ કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપી સાસુ-જમાઈને હત્યા તથા પોલીસને ગેરમાર્ગે દોરવવાના ગુનાઈત કારસામાં દોષી ઠેરવી હતી. બંને આરોપીઓને આજીવન કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.