તાપીઃ ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે 22 ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.   બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.


આ દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની જંગી આવક થતાં ડેમમાંથી તાપી નદીમાં 190000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. 10 વાગ્યાથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.  ઈન્ફલો 1 લાખ 47 હજાર 123 ક્યુસેક અને આઉટ ફ્લો 1 લાખ 90 હજાર ક્યુસેક છે.

ઉકાઈ ડેમની સપાટી 333.92 ફૂટ છે. હાલ ડેમના 15 ગેટ 6 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવતા સુરત શહેર કે ગ્રામિણ વિસ્તારને કોઈ અસર નહીં થાય.