સુરત: લોકડાઉન બાદ ગુજરાતમાં ક્રાઈમ રેટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના જહાંગીરાબાદના ખેડૂત કિરીટ ધીરજ પટેલે ભૂમિફિયા અને વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરતાં જહાંગીરપુરા પોલીસે બિલ્ડર મગન દેસાઈ અને ગેંગસ્ટર હાર્દિકની પત્ની નયના સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને મની લોંડરિંગની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ખેડૂત કિરીટ પટેલે ગેંગસ્ટર હાર્દિક પટેલની પત્ની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે પરત મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરતી હતી. જેમાં ધમકી આપી હતી કે, તારે જે કરવું હોય તે કર, દવા પીવી હોય તો પીજા, હું કોઈનાથી ડરતી નથી, ઊભી ઊભી પૈસા કઢાવી.

બિલ્ડર મગનભાઈ દેસાઈએ ખેડૂતનું ICICI બેંકમાં ખાતું ખોલાવી લીધું હતું. બેંકની ચેકબુકમાં બિલ્ડરે પ્રીમિયમ ભરવા માટે ખેડૂતને વિશ્વાસમાં લઈ કોરા ચેકો પર સહી પણ કરાવી હતી. બિલ્ડરે ખેડૂત પાસેથી લીધેલા કોરા ચેકો ભરીને 32.50 લાખની રકમ મેળવી લીધી હતી.

બિલ્ડર ખોટાં-ખોટાં વાયદાઓ કરી ધક્કા ખવડાવતો હતો. જેથી ખેડૂતે ઘર ચલાવવા નયના પાસેથી 15 મહિના પહેલા અંદાજે 6.50 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતાં. જેમાં ખેડૂતે એક લાખની રકમ મહિલાને આપી હતી જ્યારે બાકીની રકમ હજુ ચુકવી નથી.

ખેડૂતે પરિવારને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી જે તેના પેન્ટના ખિસ્સામાંથી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, દિશાંત તારી મમ્મીને હેરાન કરતા નહીં, મને માફ કરજો ને તું નિતીનભાઈને લઈને ગુરુકુલ પોલીસ ચોકી જજો, મગન દેસાઈના કેસ માટે મનીષભાઈ વકીલની ઓફિસે લઈ જજો, કલ્પુ મેં તને બો દુઃખ આપ્યું છે, મને માફ કરજો, લિ.કિરીટ ડી.પટેલ