Surat News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં તાજેતરમાં બની હતી. પૂરપાટ ઝડપે BRTS રૂટમાં કાર હંકારી રહેલા કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. પોલીસે સાજન પટેલ નામના આરોપી કાર ચાલકની ધરપકડ કરીને તેને હાથ જોડી જાહેરમાં ફેરવ્યો હતો. પોલીસે શખ્સનું એ જ જગ્યા પર સરઘસ કાઢ્યું હતું જ્યાં તેણે અકસ્માત કર્યો હતો. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.


સાજન પટેલ સામે કઈ કલમ ઉમેરવામાં આવી


સાજન પટેલે દારૂ પીને કાર ચલાવતી વખતે અકસ્માત સર્જયો હતો. સાજન પટેલ પાસે લાયસન્સ જ નથી. જેને લઈ મોટર વ્હીકલ એક્ટની કલમ 181નો ઉમેરો કરવામાં આવ્યો છે.  સાજન પટેલ બર્થ-ડે પાર્ટીમાંથી દારૂ પીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે BRTS રૂટની અંદર ઘટના બની હતી.


સાજન પટેલનો છે ગુનાહિત ઈતિહાસ


આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નશો કર્યાનો કેસ થયો હતો.આણંદના સોજીત્રામાં દારૂ પીને ગાડી ચલાવતા ગુનો નોંધાયેલો છે. પુણા પોલીસમાં મારામારી અને અમરોલીમાં ગુનો નોંધાયેલો છે. દારૂ પીધા બાદ કાર ચલાવવાથી શું થાય એ આરોપી જાણતો હોવા છતાં આ અકસ્માત કર્યો હતો. જેથી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


અકસ્માત બાદ કર્યો હતો લુલો બચાવ


સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે આરોપી સ્વિફ્ટ કાર લઈને BRTS ટ્રેકમાં જઈ રહ્યો છે અને સામેથી આવતા બાઈકોને એક બાદ એક અડફેટે લે છે. અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ મૂળ સુરતનો છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. અકસ્માત બાદ તેણે દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો. અકસ્માત બાદ પોતાનો લુલો બચાવ કરતા સાજન પટેલે કહ્યું કે, હું ઘરે જતો હતો અચાનક ટુ-વ્હીલર આવી ગયું અને તેમાં ઠોકાયો. મેં દારૂ પીધો નહોતો. વરસાદ પડતો હતો એટલે દેખાયું નહીં. ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે BRTS રૂટમાં જતો રહ્યો. મેં મારા છોકરાની બર્થ-ડે પાર્ટીમાં બપોરે દારૂ પીધો હતો.