સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં મહિલા આત્મહત્યા કરી છે. શહેરના સુગલ સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ આઠમા માળેથી કુદકો મારી મોતને વહાલું કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલા માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું છે. બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી હતી. મૃતકનું નામ અલ્કા છે, તેઓ છેલ્લા પંદર વર્ષથી દવા લેતા હતા. આખરે તેમણે જિંદગીથી કંટાળી મોતને વહાલું કર્યું હતું. આ અંગે પાંડેસરા પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે આવી હતી અને લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીમાં બની કાળજું કંપાવી દેતી ઘટના
 અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી.  ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં  માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.10), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.7) હોવાનું જાણવા મળ્યું છે.


કેવી રીતે બની ઘટના


મજૂર પરિવારના સભ્યો આગળ જતા અને બાળકો પાછળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાછળ ચાલતા હોવાથી પરિવાર આ વાતથી અજાણ હતો. જ્યારે તેમને જાણ થઈ ત્યારે સ્થળ પર પહોંચીને રોકકળ અને દેકારો કરવા લાગ્યા હતા. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. ખાડામાં ડૂબી ગયેલા બાળકોને કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માતા સ્ટ્રેચર પર મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો.


ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત


લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વ્હીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકા ભેર અથડાવી હતી. વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.