સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા એપેન્ડિક્સની સર્જરીમાં બેદરકારી દાખવનાર ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દર્દીનું મોત થતા તપાસ કરવામાં આવી હતી જેમાં બેદરકારી સામે આવતા તબીબ સામે ગુનો દાખલ કરાયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ આનંદ સર્જિકલ હોસ્પિટલના ડૉ. નિતેષ સાવલિયા સામે કાર્યવાહી કરવામાં આવશે. દોઢ વર્ષ પહેલાની ઘટનામાં એડવાઈઝરી કમિટીના રિપોર્ટમાં ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદી બની ફરિયાદ નોંધી છે.


દોઢ વર્ષ પહેલાની ઘટના


સુરતમાં એપેન્ડિક્સના ઓપરેશન દરમિયાન તબીબે દાખવેલી બેદરકારીથી કાપોદ્રાની પરિણીતાનું મોત થયું હતું. દોઢ વર્ષ પહેલાંની આ ઘટનામાં સિવિલની મેડિકલ એડવાઈઝરી કમિટીના રિપોર્ટમાં ડોક્ટરે સર્જરી દરમિયાન ભૂલથી લોહીની નસમાં કાણું પાડી દેતા 1.2લિટર લોહી વહી જતા દર્દીનું મોત થયું હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. જે રિપોર્ટના આધારે સરથાણા પોલીસે તબીબ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો.


મૂળ ભાવનગરના પાલિતાણા તાલુકાના ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રાના મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણઘણ ઓનલાઈને માર્કેટિંગની ઓફિસ ધરાવે છે. તેમના પત્ની પ્રિયંકાબેનને એપેન્ડિક્સની તકલીફ થતા ગત જુલાઈ 2022માં સરથાણા જકાતનાકા સ્થિત રોયલ આર્કેડના ત્રીજા માળે આવેલી આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું. 


ઓપરેશન બાદ તબિયત લથડી હતી


ઓપરેશન બાદ પ્રિયંકાબેનની તબિયત લથડી ગઈ હતી અને બાદમાં કરુણ મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ તબીબ સામે ગંભીર આક્ષેપો કરી હંગામો મચાવ્યો હતો. ઓપરેશન બાદ કલાકો સુધી પ્રિયંકાબેન ભાનમાં આવ્યા ન હતા. તેણીના હોઠ સફેદ થઈ ગયા છતાં કોઈ દરકાર લેવામાં આવી ન હોવાના અને એનેસ્થેસિયાના ઓવરડોઝથી મોત થયું હોવાના આરોપો પણ પરિવારજનોએ કર્યા હતા. જે-તે સમયે પરિવારે ડેડબોડી લઈ જવાનો પણ ઈન્કાર કર્યો હતો. આખરે પોલીસે ન્યાયની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. 


આ દરમિયાન સ્મીમેરમાં મૃતક પ્રિયંકાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટ્સ કરાયું હતું. જરૂરી સેમ્પલ લઈ એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી અપાયા હતા. સાથોસાથ પોલીસે સિવિલના એક્સપર્ટ્સનો પણ ઓપિનિયન માંગ્યો હતો. જે કમિટીને દર્દીના મેડિકલ કેસ પેપર સહિતના ડોક્યુમેન્ટ્સ મોકલી અપાયા હતા. ભૂલથી લોહીની નસમાં કાણું પાડતા 1.2 લિટર લોહી વહ્યું હતું. 




તાજેતરમાં સિવિલની એડવાઇઝરી કમિટીનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં તબીબે સર્જરી દરમિયાન એપેન્ડિક્સની બાજુમાં એક લોહીની નસમાં કાણું પાડી દેતા નસમાંથી આશરે 1.2 લિટર જેટલું લોહી વહી ગયું હતું. જેથી પ્રિયંકાબેનનું મોત થયું હોવાના એક્સપર્ટ્સના રિપોર્ટના આધારે સરથાણા પોલીસે આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. નિતેષ પરસોત્તમદાસ સાવલિયા  સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.