સુરતઃ અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો વિવાદ જબરદસ્ત ચાલી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે મંત્રીના પુત્રને ફરજ દરમિયાન અટકાવનાર સુનિતા યાદવ રવિવાર સાંજે અચાનક પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. જ્યાં પોલીસ અને સુનિતા વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હોય તેવું અન્ય મીડિયામાં સામે આવ્યું હતું.


સુનિતા યાદવ હેડક્વાર્ટર પહોંચ્યા હતા જેના સમાચાર મીડિયાને મળતાં જ ગણતરીની મીનિટોમાં મીડિયા પણ પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગયું હતું. મહિલા કોન્સ્ટેબલ રાજીનામું આપવા માટે પોલીસ હેડક્વાર્ટન આવ્યા હોવાની વાત ચર્ચાઈ રહી હતી. પોલીસ હેડક્વાર્ટરમાં હાજરી આપ્યા બાદ મીડિયા સામે આ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતાનો રૂઆબ દેખાડતી નજરે પડી હતી.

ઉલ્લેખનીય છે કે એક ઓડિયો વાયરલ થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. ત્યાર બાદ ત્યાં મંત્રી કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી આવ્યો હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલ સુનિતાએ તેને ખખડાવ્યો હતો ત્યાર બાદ મંત્રી સાથે પણ વાત કરી હતી.

વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિભાગના પીએસઆઈની તપાસ બાદ પ્રકાશ કાનાણી અને અન્ય 6 સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતાં જ પ્રકાશ કાનાણીની અટકાયત કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.