સુરત: ગુજરાતાં નવા વર્ષની લોકો ઉજવણી કરી રહ્યા હતાં ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં અને એક ગેંગના લોકોએ અન્ય ગેંગના એક યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતાં. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતે વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો લઈને તુટી પડ્યા હતાં અને જાહેરમાં તલવાર અને ચપ્પું વડે એકબીજા ઉપર હુમલો કરી રહ્યાં હતાં. 5 જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકીને હત્યા કરી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ જીવલેણ હુમલામાં યુવક લોહીના ખાબોચિયામાં ભરાઈ ગયા હતાં. આ ગેંગવોરમાં 2 યુવકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.