વલસાડઃ વાપીમાં નરાધમે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર સમયે નરાધમે સગીરાના અશ્લીલ વીડિયો પણ મોબાઇલમાં ઉતારી લીધા હતા. આ પછી બ્લેક મેલીંગનો ખેલ શરુ થયો હતો. અંતે કંટાળેલી સગીરાએ પિતા ને જાણ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ યુવકને જેલમાં નાંખી દીધો છે.

દમણમાં રહેતા યુવકે વાપીની સગીરા પર એક વર્ષ અગાઉ બળાત્કાર ગુજાર્યો હતો. દમણમાં કબ્બડ્ડીની પ્રેક્ટિસ દરમિયાન સગીરા સાથે પરિચય થતાં આરોપી સગીરાને બાઇક પર ઘરે મૂકવા આવવાના બહાને તેના ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ વખતે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. ત્યાર બાદ અવાર નવાર આરોપી સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાને શારીરિક સંબંધ માટે દબાણ પણ કરતો હતો.

જોકે એક વર્ષ સુધી સગીરા આરોપીની તાબે નહીં થતાં આખરે આરોપીએ સગીરા પર બળાત્કારનો વીડિયો પીડિતા ના પિતા ને મોકલી અને તેમને ધમકી આપી હતી. પીડિતાના પિતા પાસે અશ્લીલ વીડિયો પહોંચતાં જ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થઈ હતી. પીડિતાએ પોતાના પર એક વર્ષથી વીતી રહેલી પીડાની વાત અને આરોપી દ્વારા થઇ રહેલા બ્લેકમેલીંગના પ્રયાસની વાત પરિવારજનોને કરી હતી.

પીડિતાના પરિવારજનો અને પીડિતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. વાપી ટાઉન પોલીસે પોક્સો એક્ટ હેઠળ દમણના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને ગણાતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીને પોલીસે વલસાડની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

રેપ અને બ્લેકમેલિંગની આ ઘટનામાં સગીરા યુવાનથી સાવ અપરિચિત નહોતી. જોકે એક નાનકડી મુલાકાત બાદ સગીરાએ આરોપી પર રાખેલ વિશ્વાસ ભારે પડ્યો છે. વાપી પોલીસે આરોપીના મોબાઈલ કબ્જે લઇ અશ્લીલ વીડિયો કબ્જે લીધા છે. આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજારી બનાવેલો વિડિયો કબજે કરવા સહિત તેને અન્ય કોઇ જગ્યાએ સાર્વજનિક કર્યો છે કે કેમ ??? તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે આરોપીના રિમાન્ડ પર લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.