મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીની તકલીફ વધશે.


બિહાર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે નિર્ણય લીધો પછી કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી. તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી.

બીજી તરફ કેન્દ્ર સરકારે CBI અને ED આ કેસની તપાસ કરે તે માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માગી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, બિહાર સરકારે કરેલી ભલામણને આધારે CBI એ FIR નોંધી છે અને આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.

રીયાએ આ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી પણ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દઈ સીબીઆઈ દ્વારા તપાસના આદેશ આપ્યા છે.

આ કેસમાં 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને લેખિતમાં જવાબ આપવાનું કહ્યું હતું. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.