નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્વાતિ સિંહની વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો છે. યોગી સરકારમાં મંત્રી સ્વાતિ સિંહની આ કથિત ઓડિયો ક્લિપમાં સ્વાતિ સિંહ એક એવા વ્યક્તિ સાથે વાતચીત કરી રહી છે. આ વ્યક્તિ સ્વાતિના તેમના પતિ અને ભાજપના નેતા દયાશંકર સિંહની ફરિયાદ કરી રહ્યો છે.
સ્વાતિ સિંહ ફરિયાદ કરનારને ઓડિયોમાં કહે છે કે, આખી દુનિયા જણે છે કે, અમારા બંને પતિ પત્નીનો સબંધ કેવો છે. હું પોતે આ વસ્તુ એટલે કે મારપીટનો વિરોધ કરૂ છું પણ દયાશંકર સિંહ અને તેનો ભાઈ મારવા પીટવાની બધી હદો પાર કરી દે છે. સ્વાતિ એવું પણ કહે છે કે, આપણા વચ્ચે થયેલી વાતચીતની જાણ દયાશંકર સિંહને ના થવી જોઈએ નહીંતર ફરી માર મારશે. બંને મને ટોર્ચર કરે છે
સ્વાતિ સિંહ ફોન પર કહે છે કે, તમે મને દયાશંકર સામે થયેલા કેસના પેપર વગેરે બધુ આપી આપી દો પણ દયાશંકરજીને જાણ ન થવી જોઈએ કે, મારી તમારી સાથે વાત થઈ છે. કારણ કે, દયાશંકરજી અને ધર્મેન્દ્રજી બધા....શું બોલું, હું તો ભગવાનને કહું છું કે, મારી સાથે બહું ખોટું થયું છે, એવા વ્યક્તિ સાથે મારા લગ્ન થયા છે કે જેની ભરપાઈ તો હું કરી જ ના શકું. આ દયાશંકર સિંહ અને તેના ભાઈને ખબર ના પડવી જોઈએ.
સ્વાતિ સિંહ અને તેમના પતિ દયાશંકર સિંહ વચ્ચે લખનૌની સરોજિની નગર વિધાનસભા સીટ માટે પણ જંગ ચાલુ છે. આ બેઠક પર 2017માં યોગી સરકારના મંત્રી સ્વાતિ સિંહ જીત્યાં હતાં અને ટિકિટના દાવેદાર છે, જ્યારે તેમના પતિ અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ દયાશંકર સિંહ પણ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે. લવ મેરેજ કરનાર દયાશંકર અને સ્વાતિ વચ્ચેનો સબંધ લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યો છે. વર્ષ 2008માં સ્વાતિએ પતિ દયાશંકર સામે મારપીટની એફઆઈઆર પણ નોંધાવી હતી.