ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું સરળ છે. પરંતુ આ સમાચાર વાંચ્યા પછી તમે સરળતાથી કલ્પના કરી શકશો કે થોડી બેદરકારી તમને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. મુંબઈના ડૉક્ટરે 25 સમોસા ઓનલાઈન મંગાવ્યા હતા જેની કિંમત લાખોમાં પડી.
ઓનલાઈન સમોસા મંગાવવાનું ડોક્ટરને મોંઘુ પડ્યું
આ મામલો આર્થિક રાજધાની મુંબઈના સાયનથી સામે આવ્યો છે. KEM હોસ્પિટલમાં કામ કરતા 27 વર્ષીય ડોક્ટરે તેના મિત્રો સાથે પાર્ટી માટે 25 સમોસા ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. આ માટે તેને 1500 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ડૉક્ટરે ઉલ્લેખિત નંબર પર 1500 રૂપિયા મોકલ્યા પણ હતા.
પેમેન્ટ રિક્વેસ્ટ લિંક દ્વારા ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા
જો કે, આ પછી ડૉક્ટરને કહેવામાં આવ્યું કે તેમના દ્વારા મોકલવામાં આવેલા પૈસા મળ્યા નથી, આ સ્થિતિમાં તેમણે ફરીથી ચૂકવણી કરવી પડશે. આ પછી ડૉક્ટર પાસે પેમેન્ટ રિક્વેસ્ટ આવી. જે તબીબે સ્વીકારી હતી અને ચૂકવણી કરી હતી. આ પેમેન્ટ રિક્વેસ્ટ લિંક ખોલ્યા બાદ ડોક્ટરના ખાતામાંથી 28 હજાર રૂપિયા કપાઈ ગયા હતા.
ખાતામાંથી 1500ના બદલે લગભગ દોઢ લાખ રૂપિયા કપાઈ ગયા હતા
આ જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેમને માત્ર 1500 રૂપિયા ભરવાના હતા, પરંતુ તેઓ કંઈ સમજે તે પહેલા તેમના ખાતામાંથી પેમેન્ટ કાપવાનો મેસેજ ઘણી વખત આવ્યો અને તેમના ખાતામાંથી એક લાખ 40 હજાર રૂપિયા ઉપડી ગયા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તબીબે તુરંત તેનું ખાતું બંધ કરાવ્યું હતું અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઈ
ડોક્ટરની થોડી બેદરકારીને કારણે ઠગોએ ચતુરાઈથી તેના ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ડૉક્ટરે 25 સમોસા માટે માત્ર 1500 રૂપિયા આપવાના હતા પરંતુ ઠગની જાળમાં ફસાઈને તેણે 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા. જોકે, આ છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: Vadilal Industries: આઈસક્રીમ બનાવતી અમદાવાદની આ જાણીતી કંપનીના શેરમાં આવ્યો ઉછાળો, જાણો શું છે કારણ
Vadilal Ice Cream: આઈસક્રીમ બનાવતી અમદાવાદની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો આવ્યો છે. બેન કેપિટલ દ્વારા હસ્તગત કરવાના અહેવાલથી કંપનીના શેરમાં ઉછાળો આવ્યો છે. મનીકંટ્રોલના રિપોર્ટ પ્રમાણે, બેન કેપિટલ વાડીલાલના યૂનિટ્સને એક યુનિટમાં મર્જ કરવાનું વિચારી રહી છે. આ સોદો આશરે 3000 કરોડ રૂપિયામાં પૂરો થવાનો અંદાજ છે. આ પહેલા અર્પવુડે વાડીલાલમાં હિસ્સો ખરીદવા ઓફર કરી હતી પરંતુ પ્રમોટર વિવાદના કારણે હિસ્સો વેચવામાં વિલંબ થયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પ્રમોટર પાસેથી બ્રાંડ ખરીદવા શેર ધારકોની મંજૂરી લીધી હતી. બેન કેપિટલ દ્વારા વાડીલાલ ખરીદવાના અહેવાલ વચ્ચે છેલ્લા બે કારોબારી દિવસથી શેરમાં તેજી આવી છે. આજે કારોબારી દિવસના અંતે શેર 3027.35 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. સોમવારે શેર 52 સપ્તાહની ટોચ 3294.65 રૂપિયા પર પહોંચીને દિવસના અંતે 3150 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
માત્ર આઈસક્રીમ જ નહીં આ વસ્તુઓ પણ બનાવે છે
વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ એક ફૂડ એન્ડ વેબરેજ કંપની છે, જે આઈસક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, ફ્રોઝન ડેઝર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની ફ્રોઝન ફ્રૂટ, શાકભાજી, પલ્પ, રેડી ટૂ ઈટ એન્ડ સર્વ ઉત્પાદનોનું પ્રોસેસિગ અને નિકાસ પણ કરે છે. કંપનીના બે આઈસક્રીમ યુનિટ છે. એક ગુજરાતમાં અને બીજો ઉત્તરપ્રદેશમાં છે. વાડીલાલ ગુજરાતના વલસાડના ધરમપુર સ્થિત યુનિટમાં ફ્રોઝન ફ્રૂટ્સ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનું પ્રોસેસિંગ કરે છે.
કંપનીની પ્રોડક્ટની છે વિશાળ રેન્જ
આ ઉપરાંત વાડીલાલ એન્ટરપ્રાઇઝ ફ્રોઝન ફૂડ પ્રોડક્ટની નિકાસ પણ કરે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં શાકભાજી, ફળ, પલ્પ, આરટીએસ, રોટલી, પરાઠા, સ્નેક્સ, રેડી મીલ્સ સામેલ છે. ઉપરાંત ફળ, ફળનો પલ્પ, શાકભાજી જેવા ડબ્બા પેક ઉત્પાદનોની નિકાસ કરે છે તથા કંપની ફ્રૂટ કોકટેલ, કેરીની સ્લાઇસ પણ વેચે છે.
1926માં અમદાવાદમાં થઈ હતી શરૂઆત
વાડીલાલ કંપનીની શરૂઆત 1926માં ગુજરાતના અમદાવાદમાં પ્રથમ આઉટલેટ સાથે થઈ હતી. વાડીલાલ આઈસક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, ફ્રોઝન ડેઝર્ટ અને ડેરી ઉત્પાદન બનાવે છે.