Ayodhya Airport: જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ બાકીની તૈયારીઓ પણ ઝડપથી પૂર્ણ થતી જોવા મળી રહી છે. શુક્રવારે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફ્રિક્રશન પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે દરેક માપદંડ પર ખરૂ ઉતર્યું છે.  આ ઉપરાંત ફાયર બ્રિગેડે 3 નેફકો વાહનોની ટ્રાયલ પણ કરી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી. એવું માનવામાં આવે છે કે, એરપોર્ટ આગામી 1 અઠવાડિયામાં ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થઈ જશે.                                                                  


શું હોય છે રનવે ફ્રિક્શન ટેસ્ટિંગ


આ ટેસ્ટ દરમિયાન રનવેની ક્વોલિટી સ્પેશિયલ ડિઝાઈન કરેલી ફ્રિક્શન કાર વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ સ્વીડિશ કાર રનવે પર વિમાનોના લેન્ડિંગ દરમિયાન વાઇબ્રેશન અને સ્લિપિંગની શક્યતાઓનું પરીક્ષણ કરે છે. નિયમ પ્રમાણે, વિમાનોના ઉતરાણ વખતે કંપન અને સ્લિપિંગ સામાન્ય કરતાં વધુ ન હોવું જોઈએ. રનવે પર પરીક્ષણ દરમિયાન, કારને વધુ ઝડપે ચલાવવામાં આવી હતી અને ઓટોમેટિક મશીનથી ફુવારામાંથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, કાર પર બ્રેક લગાવીને રનવેના સ્લિપેજની તપાસ કરવામાં આવી હતી. અયોધ્યા એરપોર્ટ બંને માપદંડપર સફળતાથી ખરૂ ઉતર્યું હતું.


 15મી ડિસેમ્બર સુધીમાં એરપોર્ટ બનાવવાનો લક્ષ્યાંક


એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર 2023 સુધીમાં એરપોર્ટનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કારણ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હાલમાં, અયોધ્યાના શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે ટેક્સી-વે અને એક એપ્રોનનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. એક એપ્રોનમાં ચાર ફ્લાઇટ પાર્ક કરી શકાય છે. આ સિવાય 2200 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રનવે પર એરબસ A-320 ઉડાન ભરી શકશે. બીજી તરફ રામ મંદિરમાં વિજળી પુરવઠા માટે પાવર સબ સ્ટેશન પર પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.