નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડૂને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને રુટીન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરિન્ટિન કરાયા છે. 71 વર્ષિય નાયડૂના પત્ની ઉષા નાયડૂનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ સેલ્ફ આઈસોલેશનમાં છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 70,589 નવા દર્દીઓ મળ્યા અને 776 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61, 45, 292 થઈ છે. જ્યારે 9, 47 ,576 એક્ટિવ કેસ અને 51, 01, 398 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 96,318 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે સોમવારે દેશમાં 7, 31,010 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 11. 42 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.