વડોદરા: ડો. જયેશ પટેલે વિદ્યાર્થિની પર કરેલા દુષ્કર્મના પ્રકરણમાં કોઇ દબાણને વશ થઇ ફરિયાદી કે સાક્ષીઓ જુબાની બદલી નાખે નહિ તે માટે નિર્ભયા સહિત 4 વિદ્યાર્થિનીઓના સીઆરપીસી 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લીધાં હતાં. નિવેદનમાં નિર્ભયા પર દુષ્કર્મનું 3 વિદ્યાર્થિનીઓએ સમર્થન કર્યુ છે.
પારુલ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થિની પર ટ્રસ્ટી ડો. જયેશ પટેલે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થતાં રાજકિય ક્ષેત્રે હડકંપ મચી ગયો છે. દુષ્કર્મ પૂર્વે જયેશ પટેલના રૂમમાં બિઅર પીતી હોમિયોપેથીની ત્રણ યુવતીનાં નિવેદન લીધાં હતાં. આ યુવતીઓએ પોતે બિઅર નહિ પીધી હોવાનું કહ્યું હતું અને પીડિતા આવી હતી અને જયેશ પટેલ બિઅર પીતા હતા તેમ કહ્યું હતું.
જોકે, તેમણે પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ડો. જયેશ પટેલ પોતાની વગથી કોઈ પણ રીતે રિપોર્ટમાં ફેરફાર કરાવી શકે, ફરિયાદી તેમજ સાક્ષીઓને બદલી નાખે તેવી ચર્ચાઓએ પણ જોર પડક્યું હતું. આ સંજોગોમાં ઘટનાના 2 દિવસમાં જ પોલીસે સીઆરપીસી 164 મુજબ પીડિતા અને આ ત્રણે વિદ્યાર્થિનીઓનાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવ્યાં હતાં. પીડિતાએ તેની સાથે ઘટેલી ઘટના મુજબ વિગતે નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણે વિદ્યાર્થિનીઓએ પણ પીડિતા સાથે દુષ્કર્મ થયું હોવાનું સમર્થન કર્યુ હતું.