નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 20 લાખને પાર થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 886 લોકોના મોત થયા છે. તેમજ 62,538 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી રેટ 67.61 ટકા છે.


સૌથી મહત્વની વાત એ છે કે, છેલ્લા છ મહીનામાં ભારતમાં કોરોનાનો કહેર છે. પરંતુ છેલ્લા 21 દિવસમાં જ 10 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. તેનો મતલબ એ થયો કે, જેમ જેમ દિવસો વીતી રહ્યા છે, દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, ભારતમાં કુલ 38 ટકા કેસ ફક્ત પાંચ રાજ્યોમાં જ છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારનો સમાવેશ થાય છે. 16 જુલાઈ સુધી દેશમાં કોરોનાના 10 લાખ કેસ હતા. ત્યારે આ દિવસોમાં 19 ટકા કેસ સામે આવ્યા હતા. કોરોનાના નવા કેસના મામલામાં છેલ્લા 21 દિવસની વાત કરીએ તો દિલ્લી, મહારાષ્ટ્ર અને તમિલાડુમાં નવા કેસ આવવાની સંખ્યા ઘટી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે દેશમાં કુલ 20,27,075 કેસ નોંધાયા છે. આ કેસમાંથી હાલ, 6,07,384 એક્ટિવ કેસો છે. જેની સામે 13,78,105 લોકો કોરોનાને મ્હાત આપી ઘરે જતા રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 41,585 લોકોના કોરોનાથી મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મૃત્યદર ઘટીને 2.07 ટકા થઈ ગયો છે. આઇએમઆર અનુસાર પાંચ ઓગસ્ટ સુધી 2,21,49,351 ટેસ્ટ કરાયા હતા.