નવી દિલ્હી:કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે આર્થિક અનામત એટલે કે EWS કોટાના માપદંડોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ માટે આર્થિક અનામત એટલે કે EWS કોટાના માપદંડોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ સાથે ફટકાર લગાવ્યાં બાદ મંગળવારે સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રાલયે આર્થિક રીતે નબળા વર્ગને મળનાર 10 ટકા કોટાના માપદંડો માટે સમીક્ષા માટે ત્રણ સદસ્યીય સમિતિની રચના કરાઇ છે. સમિતિમાં પૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ઇન્ડિયનલ કાઉન્સિલ ઓફ સોશિયલ સાઇયન્સ રિસર્ચના સદસ્ય વી.કે. મલ્હોત્રા અને ભારત સરકારના પ્રિન્સીપલ ઇકોનોમિક એડવાઇઝર સંજીવ સાન્યાલ સામેલ છે. સમિતિને તેનું કામ પૂર્ણ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય અપાયો છે.
આપને જણાવી દઇએ કે, આર્થિક રીતે નબળા વર્ગના અનામત મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઉચ્ચ સ્તરીય નીતિ પર પુનર્વિચાર કરવાનું સૂચન કર્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત ટીપ્પણી કરતા કહ્યું કે, “કેન્દ્ર સાર્વજનિક રીતે 10% કોટા આપવા માટે હવામાં જ 8 લાખ રૂપિયાની વાર્ષિક આવકની સીમા નક્કી ન કરી શકે”
કોર્ટે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એએમ નટરાજનને કહ્યું હતું કે, “તમારી પાસે અમુક વસ્તી વિષયક અથવા સામાજિક અથવા સામાજિક આર્થિક ડેટા હોવો જોઈએ. તમે શું કર્યું છે તે અમને કહો. સુપ્રીમ કોર્ટે 8 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવા માટેનું કારણ સ્પષ્ટ કરવા માટે એક સપ્તાહની અંદર કેન્દ્ર પાસેથી એફિડેવિટ માંગી છે. કોર્ટે કહ્યું કે, જ્યારે બંધારણીય રીતે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે પહેલાથી જ આપવામાં આવેલો 49 ટકા ક્વોટા છે, તો 10 ટકા EWS ક્વોટા આપીને 50 ટકા અનામતનો નિયમ તોડી શકાય છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-PG) અને EWS ની જોગવાઈમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે 27 ટકા અનામતની માંગ કરતી વિદ્યાર્થીઓની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની 29 જુલાઈની નોટિસને 10 ટકા અનામત આપવા માટે પડકારવામાં આવ્યો છે.