કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલે બહાર પાડેલા આદેશમાં કહેવાયું છે કે, 8 જૂનથી ધાર્મિક સ્થાનો, હોટલ, રેસ્ટોરન્ટ્સ, હોસ્પિટાલિટી સેવાઓ તથા શોપિંગ મોલ ખોલવા અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)ની વિગતો ટૂંક સમયમાં બહાર પડાશે.
જો કે આ આદેશમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે, ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી ભલે 8 જૂનથી મળે પણ ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી હમણાં નહીં મળે. આ મંજૂરી આપવા અંગે અનલોકના ત્રીજા તબક્કામાં વિચારણા કરાશે. એ વખતની સ્થિતિની સમીક્ષાના આધારે ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાશે એવી સ્પષ્ટતા આ આદેશમાં કરાઈ છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર બીજા તબક્કાની છૂટછાટ અંગે જુલાઈ મહિનામાં નિર્ણય લેવાશે. ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી અંગે એ પછીના તબક્કામાં વિચારાશે એ જોતાં જુલાઈના અંત સુધી ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી મળવાની શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 21 જુલાઈથી થાય છે એ જોતાં ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી મળવાની શક્યતા નથી.