વડોદરાઃ અમદાવાદના યુવકે વડોદરાની યુવતી પર કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વડોદરા નજીક રહેતી યુવતી ફેસબૂકથી અમદાવાદના યુવકના સંપર્કમાં આવી હતી અને આ ફેસબૂક ફ્રેન્ડે વડોદરા મળવા આવ્યો હતો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડોદરા પાસે રહેતી યુવતીનો પતિ ચોરીના ગુનામાં છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં બંધ છે. આ યુવતી થોડા સમય પહેલા ફેસબૂક પર અમદાવાદના એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવક ગત 9મી ફેબ્રુઆરીએ વડોદરા આવ્યો હતો અને અહીં તેણે યુવતીને મળવા બોલાવી હતી.

અહીં યુવતી યુવકને મળવા પહોંચતા યુવકે તેને પોતાની કારમાં બેસાડી હતી અને નિમેટા તરફ લઈ ગયો હતો. દરમિયાન યુવકે યુવતીને પાણી પીવા આપ્યું હતું. જે પીતા જ યુવતીને ચક્કર આવવા લાગ્યા હતા. આમ, યુવતી અર્ધબેભાન થતાં જ યુવકે પોત પ્રકાશ્યું હતું અને છરી બતાવી કારમાં જ તેની સાથે પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા.

આ પછી યુવકે ધમકી આપી હતી કે, તેના અંકલ ગાંધીનગરમાં ડીવાયએસપી છે. તારાથી કંઈ નહીં થાય, ફરિયાદ કરતી નહીં. જોકે, યુવતીએ વડોદરા તાલુકા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.