વડોદરા: સરાર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક અંદાજિત 28 વર્ષના યુવાનને મગર ખેંચી જતા અરેરાટી મચી ગઈ છે. સરાર ગામ વડોદરા પાસે આવેલ છે. દિલીપ પરમાર નામનો અંદાજિત 28 વર્ષીય યુવાન સરાર ગામ પાસેથી પસાર થતી રંગાઈની ખાડી પાસેથી પસાર થતો હતો. ત્યારે અચાનક મગરે તરાપ મારી યુવાનને પાણીના વહેણમાં ખેચીને રંગાઈ ખાડીમાં જતો રહ્યો હતો.
ગામ લોકોને ખબર પડતા તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી. વડોદરા ફાયર વિભાગની ટીમોએ યુવાનની શોધખોળ હાથ ધરી છે.
રાજ્યમાં વધુ બે વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી મોત
જામનગરમા ગઈકાલે પાણીમાં ડૂબવાથી એક જ પરિવારના 3 લોકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોના આજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના હજુ તાજી જ છે ત્યા વલસાડ અને વડોદરામાં બે લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. વલસાડના મોગરાવાડીના મોટા તળાવ વિસ્તારમાં યુવકનું ડૂબી જવાથી મોત થયું છે.
યુવક તળાવમાં શા માટે ગયો હતો તેનું કારણ અંકબંધ છે. યુવકના મોતના સમાચાર મળતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તળાવ ખાતે ઉમટી પડ્યા છે. યુવકની લાશને વલસાડ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બહાર કાઢી છે. હાલમાં સીટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તો બીજી તરફ વડોદરાના ડભોઇ તાલુકાના ચનવડા ખાતે રહેતા વૃદ્ધનું કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ડભોઇ વડજ નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. વૃદ્ધ કેનાલમાં ન્હાવા જતા ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. મૃતક વૃદ્ધ ચનવાળાના વણકર ફળિયાના રહેવાસી નટુભાઈ બુધરભાઈ વણકર હોવાની માહિતી સામે આવી છે.
એક સાથે 5 લોકોની અંતિમયાત્રા નિકળતા આખું ગામ હિબકે ચડ્યું
જામનગરમાં ગત રોજ સપડા ડેમમાં 5 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો છે. આ બનાવ બાદ સવારથી મૃતકોના વિસ્તારમાં લોકોએ શોક રાખી ધંધા રોજગાર બંધ પાડ્યા હતા. આજે રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા નીકળતા લાગણીસભર દ્ર્શ્યો સર્જાયા હતા. આખુ ગામ હિબકે ચડ્યું હતું. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી સવાઈ હતી.