Vadodara : રાજ્યના ગઈકાલે 10 એપ્રિલે ભરૂચના દહેજમાં લાગેલી આગની ઘટનાના સમાચાર હજી તાજા છે ત્યાં આજે વડોદરામાં આગની ઘટના ઘટી છે. વડોદરામાં સાવલી-વડોદરા રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગી છે. યોર ચોઈસ પ્લાયબોડૅ બનાવતી કંપનીમાં  આગ લેગ છે. આ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. જો કે આગ લાગતા જ કંપનીમાંથી તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર આવી જતા આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી. આગને કાબુમાં લેવા માટે સાવલી નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવી આગને ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા છે. 


ગઈકાલે દહેજમાં લાગી હતી આગ 
ભરૂચના દહેજમાં ગઈકાલે 10 એપ્રિલે ઘટેલી મોટી આગ દુર્ઘટનામાં  ભોગ બનેલા કામદારો માટે પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારો માટે  પ્રધાનમંત્રી રાહતકોષમાંથી સહાય આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન કાર્યાલય - PMO દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આગની આ ઘટનામાં ભોગ બનનાર મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલ થયેલા કામદારોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. 


BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર રીતે થઈ શકે છે જાહેરાત
ગુજરાતમાં રાજકારણ  ક્ષેત્રે આગામી સમયમાં મોટા સમાચાર આવી શકે એમ છે.  ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થશે અને આવનારા થોડાક જ દિવસોમાં BTP અને AAPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત રીતે થઈ શકે છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ આ અંગે એક સૂચક નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં AAP અને BTP ભાજપ અને કોંગ્રેસનો બાપ બનીને આવશે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હાલમાં દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે.