Vadodara : રાજ્યની સંસ્કારીનગરી વડોદરા અને વિશ્વવિખ્યાત એમ.એસ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. એક જાણીતા વિદ્યાર્થી નેતાએ એક યુવતીને MS યુનિ.માં એડમિશન અપાવવાના નામે યુવતી પાસે અભદ્ર માંગણી કરી છે, જેની સમગ્ર ચેટ વાયરલ થઇ છે. એ.જી.એસ.યુ ગ્રૂપના પંકજ જયસ્વાલે યુવતી પાસે અભદ્ર માંગણીઓ કરી અને બદલામાં એડમિશન અપાવવા કર્યા જેની સમગ્ર ચેટ સામે આવી છે. વિદ્યાર્થી નેતાની અભદ્ર ચેટ વાઇરલ થતા એમ.એસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને ચેટ વાઇરલ થયા બાદ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ ભૂગર્ભમાં ઉત્તરી ગયો છે.
બીજી બાજુ યુવતી પાસે અભદ્ર માંગણી કરનારા આ વિદ્યાર્થી વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ સામે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે અને તેને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ પર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની માંગ કરી છે અને આવેદનપાત્ર પણ આપ્યું છે.
આ અંગે એમ એસ યુનિના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ કહ્યું કે આ વિદ્યાર્થી નેતા વિરુદ્ધ આવેદનપત્ર મળ્યું છે. આ સંદર્ભે તપાસ સમિતિ આની યોગ્ય તાપસ કરી પગલાં લેશે.
વડોદરામાં મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
વડોદરામાંથી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના બિલ ગામમાંથી પાદરા પી.સી.બી પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો પકડી પાડ્યો છે. પાદરાના એક વેપારીએ બિલ ગામમાં ગોડાઉન અખાદ્ય ગોળના જથ્થોનો સંગ્રહ કર્યો હતો. અખાદ્ય ગોળના આ જથ્થાની ગણતરી કરતા 30 કિલોના 1495 થેલા પોલીસે પકડ્યા હતા અને સાથે આખા ગોડાઉન સીઝ કરી દીધું છે. આ શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો દેશી દારૂમાં વપરાય છે. પોલીસે ગોળ અખાદ્ય છે કે કેમ તેની ચકાસણી માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. હાલમાં પોલીસે જાણવાજોગ ગુનો નોંધ્યો છે અને રિપોર્ટ આવ્યા વધુ કાર્યવાહી કરવામાં આવશે.