કારેલીબાગમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે 6 માસ પહેલાં તેને ફેસબુક પર નડીયાદના અને ખેડા જીલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નિકુંજ ભરત સોનીનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.બંને ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરતા હતા. નિકુંજે પોતાની ઓળખાણમાં બેંકમાં નોકરી કરતો હોવાનું અને નાણાં ધીરધાર કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નિકુંજ મહિલાના ઘેર પણ ઘણી વાર આવ્યો હતો અને તેનો વિશ્વાસ કેળવ્યો હતો. જો કે ત્યાર બાદ તેમે પોત પ્રકાશ્યું હતું અને મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપવાનું શરુ કર્યું હતું.
ગભરાયેલી મહિલા નિકુંજને તાબે થઇ ગઇ હતી અને તેણે માર્ચ મહિનામાં પાવર ઓફ એટર્ની પણ આપ્યા હતા.ત્યારબાદ મે મહિનામાં મહિલાના પિતા ગુજરી જતાં નિકુંજ મહિલાની માતાને ત્યાં પણ આવ્યો હતો અને મહિલાને તેના પુત્રની હત્યાની ધમકી આપી રૃપિયા માંગતા મહિલાની માતાએ રૃા.૧૨લાખ અને ૧૦ તોલાના દાગીના આપ્યા હતા. ત્યારપછી પણ તેણે મહિલા પાસે દાગીના પડાવ્યા હતા.
મહિલા અને તેની માતાએ નિકુંજનો ફોન બ્લોક કરતાં તેણે મહિલાના પતિનો નંબર શોધી કાઢી તેને પણ ધાકધમકી આપતાં આખરે મહિલાએ પોલીસ કમિશનરને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરીને નિકુંજ ભરત સોની (રહે,અનેરી હાઇટસ, જુના ડુંગરાળ રોડ, નડીયાદ)ને ઝડપી લઇ આઇ 10 કાર, 2 મોબાઇલ, પાવર ઓફ એટર્ની અને ચેક, શેર સર્ટીફિકેટસ સહિતના દસ્તાવેજો મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડીસીપી(ક્રાઇમ) જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નિકુંજ સોની કોઇ કામ ધંધો કરતો નથી પણ તેની લાઇફ સ્ટાઇલ જોતાં તેણે આ જ મોડસ ઓપરેન્ડીથી વધુ મહિલાઓને પણ બ્લેકમેઇલ કરી હોવાની પોલીસને શંકા છે. આ મહિલાએ હિંમત દાખવી પોલીસ સમક્ષ આવતાં નિકુંજ સોનીને પકડી લેવાયો છે. નિકુંજની વધુ પુછતાછ ચાલી રહી છે.