વડોદરા: રાજ્યનાં મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. સરકાર ભલે મોટા મોટા દાવોએ કરે પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ છે. આજે ફરી વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી. રખડતા ઢોરે અડફેટે લેતા ગંગાબેન પરમાર નામની મહિલાનું મોત નિપજ્યું. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માણેજાની પંચરત્ન સોસાયટીમાં આ ઘટના બની હતી. આ અગાઉ પણ રખડતા ઢોરની અડફેટે લોકો મોતને ભેટ્યા છે. ઘટનાને પગલે મક્કરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


સુરતના પંડોલ વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ


સુરત શહેરના પંડોળમાં વહેલી સવારે આઠ હુમલાખોરો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં બે યુવકોની ઘાતકી હત્યા થઈ ગઈ છે, અને અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દારૂના અડ્ડા પર ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતુ.


સુરત શહેરના પંડોળ ખાતે ગઈકાલે મોડી રાત્રે જુની અદાવતમાં આઠ યુવકો દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલામાં બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. એક સપ્તાહ પૂર્વે થયેલી બબાલને પગલે બે યુવકોની ઘાતકી હત્યાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સાથે ચાર હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર યુવકો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.


ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પંડોળના અટલજી નગરમાં રહેતા મનોજ નાયક અને કૈલાશ તેમજ રહેમત નગરમાં રહેતા પરવલ્લી અને રાજુ ઠાકોર નામક યુવકો સવારે 3.30 કલાકના સુમારે ઘર પાસે બેઠા હતા. આ દરમ્યાન આઠેક જેટલા ઈસમો ઘાતકી હથિયારો સાથે ઘટના સ્થળે ગયા હતા. જ્યાં હુમલાખોરો દ્વારા પરવલ્લી, મનોજ નાયક, રાજુ ઠાકોર અને કૈલાશ પર હુમલો કરતાં પરવલ્લી અને રાજુ ઠાકોર ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. 


બીજી તરફ રાજુ અને કૈલાશ ત્યાંથી નાસી છૂટ્યા બાદ હુમલાખોરોએ તેઓનો પીછો કરીને રહેમત નગર ખાતે આ યુવકોને ઝડપી લીધા હતા. જ્યાં રાજુ અને કૈલાશને પેટ અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં આ બન્ને યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે સર્જાયેલા હિચકારા હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઝઘડો હફ્તા વસુલી અને દારૂના અડ્ડાના વર્ચસ્વને લઈ કરવામાં આવ્યો છે. એક સપ્તાહ પૂર્વે આ યુવકોની હુમલાખોરો સાથે તકરાર થઈ હોવાનું હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ચોક બજાર પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવાની સાથે ચાર યુવકોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હિચકારા હુમલામાં સંડોવાયેલા વધુ ચાર યુવકો નાસી છૂટતા આ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે.