વડોદરાઃ અમદાવાદના યુવકે પાર્ટરના ત્રાસથી વડોદરાની હોટલમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત પછી યુવકનાના પાર્ટનર તેમજ અન્ય સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે સૂત્રધાર સહિત ચાર આરોપીઓના નામ-સરનામા મળતાં પોલીસે તેમના પરિવારજનોને સમન્સ આપી વડોદરા હાજર થવા સૂચના આપી છે.


અમદાવાદના બોપલ વિસ્તારના ફાઇનાન્સર અલ્પેશ પટેલે તેના પાર્ટનર નરેન્દ્રસિંહ વાઘેલા અને તેના માણસોના ત્રાસથી વડોદરાની હોટલમાં ફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનામાં સયાજીગંજ પોલીસે સૂસાઇડ નોટના આધારે મરનારના પત્નીની ફરિયાદ નોંધી અલ્પેશ પટેલના પાર્ટનર સહિત ૧૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. સયાજીગંજ પોલીસની એક ટીમ અમદાવાદમાં તપાસ ચલાવી રહી છે. પોલીસને ચાર આરોપીઓના નામ સરનામા મળી જતાં તેમના ઘેર જઇ પરિવારજનોને સમન્સ અપાયા છે.

આ ચાર આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ વાઘેલા (રહે.નંદનબાગ બંગ્લોઝ,સેલા,સાણંદ), ભરતસિંહ વિક્રમસિંહ જોધા (રહે.મોહન નગર-૩, બાપુનગર, અમિત બાબુભાઇ ખુંટ (રહે.કૈલાસધામ-૧,બાપુનગર) અને નાગાર્જુન મોઢવડિયા (રહે.સેલાગામ, સાણંદ)નો સમાવેશ થાય છે. અલ્પેશ આપઘાત કરી લીધા પછી તમામ આરોપીઓએ મોબાઇલ પણ બંધ કરી દીધા છે.