Vadodara : વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં હંસા મહેતા લાઇબ્રેરી ખાતે છેલ્લા છ મહિનાથી 100થી વધુ એસી બંધ હાલતમાં પડ્યા છે.  એ.સી મેન્ટેનન્સના 5 વર્ષના 80 લાખના કોન્ટ્રાકટની  પ્રક્રિયા પણ કરવામાં આવી હતી.  જો કે 80 લાખના  કોન્ટ્રાક્ટની રકમ યુનિવર્સિટીને  વધારે લાગતા ટેન્ડર પ્રક્રિયા અટકાવી દેવાઇ. આ અંગે   સેનેટ મેમ્બર દ્વારા કોન્ટ્રાક્ટમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કેમકે યુનિવર્સિટીએ નવું ટેન્ડર 80 લાખની જગ્યાએ 25 લાખમાં બહાર પાડવાનું નક્કી કર્યું છે.


હંસા મહેતા લાઈબ્રેરીના એસી ઠપ્પ 
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 13 ફેકલ્ટી આવેલી છે, જેમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા સહિતની તૈયારીઓ માટે લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા માટે બેસવાની વ્યવસ્થા છે. હંસા મહેતા લાઇબ્રેરીમાં બે હજારથી વધુ વિદ્યાર્થી એક સાથે વાંચન અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા છે જોકે કોરોના સંક્રમણ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં એસી વગર ગરમી સહન કરી અભ્યાસ કરવો પડે છે. 


મેન્ટેનન્સના કોન્ટ્રાકટ માટે 80 લાખનું ટેન્ડર!
હંસા મહેતા લાઇબ્રેરીના 240 કે.વીના 100થી વધુ એસી બંધ હાલતમાં પડ્યા છે. હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડોક્ટર મયંક ત્રિવેદીએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં પાંચ વર્ષના મેન્ટેનન્સના કોન્ટ્રાકટની કામગીરીની પ્રક્રિયા કરી હતી જેની રકમ 80 લાખ રાખવામાં આવી હતી. ટેન્ડર રકમ નક્કી કરાયા પહેલા એક્સપર્ટ પાસે કેટલો ખર્ચ થઈ શકે તે મંગાવવામાં આવ્યા બાદ કમિટી સાથે મળી આ નિર્ણય લેવાયો હતો,  જેમાં બ્લુ સ્ટાર કંપની ટેન્ડરમાં 84 લાખનું  બિડિંગ પણ કર્યું હતું જોકે મંજૂરી માટે વાઇસ ચાન્સેલર પાસે પહોંચતા અને સેનેટ ની બેઠકમાં મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાય તે વખતે સેનેટ સભ્યોએ આ રકમ ખૂબ વધુ હોવાનું જણાવી ટેન્ડર પ્રક્રિયા અટકાવી હતી.


25 લાખનું ટેન્ડર બહાર પાડવાનું નક્કી કરાયું
હંસા મહેતા લાઇબ્રેરીના એસી મેન્ટેનન્સના કોન્ટ્રાકટ માટે ટેન્ડર બહાર પાડવા તપાસ કમિટી રચાઈ એ.સી મેન્ટેનન્સના  5 વર્ષના કોન્ટ્રાકટ માટે 25 લાખ રૂપિયા ટેન્ડર બહાર પાડવા લાઈબ્રેરીયન ડોક્ટર મયંક ત્રિવેદીએ  જણાવ્યું હતું. પરંતુ મયંક ત્રિવેદી કહી રહ્યા છે કે હું અત્યારે મેમ્બર સેક્રેટરી નથી એટલે આ પ્રક્રિયા હું કરી શકીશ નહીં જે સમયે 80  લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે તેઓ મેમ્બર સેક્રેટરી હતા અને અત્યારે તેઓ મેમ્બર સેક્રેટરી નથી એટલે ટેન્ડર પ્રક્રિયા નહીં કરી શકે. 
 
રીટેન્ડરિંગની પ્રક્રિયા સામે અનેક સવાલો 
હંસા મહેતા લાઇબ્રેરીના એસી મેન્ટેનન્સના કોન્ટ્રાકટ માટે હાથ ધરવામાં આવેલી રીટેન્ડરિંગની પ્રક્રિયા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. પહેલા 80 લાખનું ટેન્ડર અને બાદમાં 25 લાખનું કેમ? યુનિવર્સિટીએ આ રકમ 25 લાખ કેમ કરી નાખી ?  જોકે સેનેટ મેમ્બર મયંક પટેલ સમગ્ર મામલા ની તપાસ ની પણ માંગ કરી રહ્યા છે. તો યુનિવર્સિટી સત્તાધીશો મામલાને બહાર નહીં લાવી રફે દફે કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 


કોવિડ સમયથી એ.સી બંધ હાલતમાં
હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરીયન મયંક ત્રિવેદીએ જણાવ્યું કે  કોવિડ સમયથી લાઇબ્રેરીના એ.સી બંધ હાલત માં છે અને જો એકદમ ચાલુ કરીએ અને કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? આવા સંજોગોમાં હંસા મહેતા લાઇબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા હજારો વિદ્યાર્થીઓ એસી વગર ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે.