IOCL Refinery Blast News: વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીની સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વડોદરાની કોયલીમાં IOCL રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો થયો છે. આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ કામે લાગી હતી. અમદાવાદ અને આણંદથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. ખાસ ફોર્મનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા છે.
આગની આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયાના સમાચાર છે. એક ટેન્કની આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બીજી ટેન્કમાં ધડાકાભેર આગ લાગી હતી. બીજી ટેન્કમાં પણ આગ પ્રસરતા અન્ય જિલ્લામાંથી ફાયર બ્રિગેડ બોલાવાઈ છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી ફાયરની વિવિધ ટીમો રવાના કરવામાં આવી છે.
પહેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, પળવારમાં જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને આજુબાજુના રહીશોને રહેણાંક વિસ્તારોમાંથી દુર થવુ પડ્યુ હતુ. IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં પોલીસ આખા વિસ્તારને કૉર્ડન કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરના સમયે વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના ઘટી હતી, ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બ્લાસ્ટને પગલે આખા વિસ્તારમાં સાયરનના અવાજો ગુંજી ઉઠતા ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંચ કિ.મી. દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળી રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા.