વડોદરા: વડોદરામાં કુખ્યાત બુટલેગર મહેંદ્ર રાજપુતની બર્થ ડે પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર સામેલ થયા હતા. ત્રણ વખત પાસામાં જેલ જઈને આવેલા બુટલેગર મહેંદ્ર રાજપુતે બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર મનીષ પગાર તેમને કેક ખવડાવતા નજરે પડ્યા હતા. બુટલેગરના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કોર્પોરેટરનો કેક કાપતો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બુટલેગર મહેંદ્ર કાઉંસિલર મનીષનો અંગત મિત્ર હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. જ્યારે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 11 તાલુકાઓ હજી પણ કોરા ધાકોર છે. જ્યારે 145 તાલુકામાં ખાબક્યો 2 ઈંચથી પણ ઓછો વરસાદ. માત્ર 2 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
હાલમાં રાજ્યના જળાશયોમાં છે 37.70 ટકા પાણી છે. સરદાર સરોવરમાં સંગ્રહિત છે 44.66 ટકા પાણીનો જથ્થો. જ્યારે રાજ્યના 100 જળાશયમાં છે 10 ટકા કરતા ઓછો પાણીનો જથ્થો છે. 11 ડેમ થઈ ગયા છે તળિયા ઝાટક.
બનાસકાંઠાના દાંતામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે. પવન સાથે વરસાદથી વાતાવરણ ધુધળું બન્યું છે. ભારે વરસાદ સાથે પવનથી વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.
રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ગોંડલ શહેરના અક્ષર મંદિર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.
સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને ખેતીને લાભ થયો અને ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની આગાહી હતી.