ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું. સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી આ અંગે જાણકારી આપી હતી. કેતન ઈનામદારે આ અંગે વાત કરતા કહ્યું કે,   મેં મારી વેદના સીઆર પાટીલ સમક્ષ રજૂ કરી હતી. સીઆર પાટીલ સાથે અંતર આત્માની વાત કરી. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ મારી વાતને ગંભીરતાથી લીધી છે.  


કેતન ઈનામદારે આગળ વાત કરતા કહ્યું કે જૂના કાર્યકર્તાઓના માન સન્માનની વાત હતી. વ્યક્તિગત કોઈ વિરોધ ન હોવાની વાત તેમણે કરી હતી.   કેતન ઈનામદારે 2027 વિધાનસભા ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે.  



પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કેતન ઇનામદારે કહ્યું કે, ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે? મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકરને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ મને સંતોષ છે અને રાજીનામું પરત લઉં છું. મને સંતોષ થાય તે રીતે તેમણે મારી વાતનું નિરાકરણ લાવ્યું છે. 


આ સાથે જ તેમણે કહ્યું કે, હું 2027ની ચૂંટણી લડવાનો નથી. એટલે હું ઝડપથી ચાલુ છુ કે મારા વિસ્તારના કામ ઝડપથી થાય. ડ્રીમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં જ પૂરા થાય તેવી લાગણી સાથે હું નીકળ્યો છું.


કેતન ઈનામદાર સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે. તેઓ બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના ડૉ.જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial