વડોદરા: વડોદરા શહેરના બીલ કેનાલ રોડ પર દારુડીયાએ હંગામો  મચાવ્યો હતો.   સગુન પાર્ટી પ્લોટ સામે ઓરો હાઈટ્સ 2 માં રહેતા બિઝનેસમેને દારુનો નશો કરીને હંગામો મચાવ્યો હતો.  નશો કરીને ધમાલ કરનાર આરોપી તુષાર સાવંત  ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. 


તુષાર સાવંતે દારૂનો નશો કર્યો હતો. આરો હાઈટ્સના રહીશોએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ દોડી આવી હતી.  નશામાં ધૂત પિતાને પકડવા ગયેલી પોલીસ ઉપર પિતા-પુત્રએ કાચના ટુકડા ફેક્યાં હતા.  પ્રથમ માળે ઘરમાંથી ખુલ્લી તલવાર બતાવી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચાર કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પિતા તુષાર સાવંત અને સગીર પુત્રને ઝડપ્યો હતો.  તુષાર સાવંત ઉપરાંત ટોળામાં ઉભેલા અને નશો કરેલી હાલતમાં વધુ બે યુવક ઝડપાયા હતા.  અમર સિંદે અને ધવલ જામદાર દારૂ નશો કરેલી હાલતમાં હોય માંજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.   


જેલમાંથી વચગાળાના જામીન લઈ ફરાર આરોપીની ધરપકડ


સુરત: વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ ખાતે આવેલી મરાઠી સમાજનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સુરતની લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો


સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સુરતના વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર મરાઠી સમાજ દ્વારા હારતોરા કરી બહુમાન આપવામાં આવે છે. એટલું જ નહીં મરાઠી સમાજમાં છત્રપતિ શિવાજી મહારાજનું એક આગવી ઓળખ અને ઉચ્ચ સ્થાન છે. જોકે આ પ્રતિમાને વર્ષ 2019માં રોહિત ઉર્ફે પુતન નરીન શુક્લા નામના શખ્સે લાત મારી શિવાજી મહારાજ અને મરાઠી સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું. જે અંગેનો ગુનો પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસે મરાઠી સમાજનું અપમાન કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આરોપીની ધરપકડ કરી હતી.


જે આરોપી સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો. આરોપીએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન 30મી માર્ચના રોજ લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. આરોપીને 31મી ડિસેમ્બર 2020ના રોજ લાજપોર જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી મુદ્દતે હાજર ન થતા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.