જો ધાર્મિક કાર્યક્રમના આયોજનથી ફેલાય કોરોના તો ભગવાન જવાબદાર. આ વિવાદિત નિવેદન આપ્યું છે મંત્રી યોગેશ પટેલે. વડોદરામાં શિવરાત્રિના દિવસે યોગેશ પટેલ આયોજિત શિવજી કી સવારી નીકળી હતી.
આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે અંગે નિવેદન આપતા સમયે મંત્રી યોગેશ પટેલ ભાન ભૂલ્યા અને બોલ્યા કે, જો ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર રહેશે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી તથા સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના સ્થાપક એવા ધારાસભ્ય યોગેશ પટેલના નેતૃત્વ હેઠળ સુરસાગર તળાવ મધ્ય સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ત્યાં પ્રતિ વર્ષે મહાશિવરાત્રીએ સુરસાગર ફરતે મહાઆરતીનું આયોજન થતુ આવ્યુ છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીએ જ વડોદરામાં ભવ્યાતીભવ્ય શિવજી કી સવારીનું પણ આયોજન થતુ આવ્યુ છે. જેના ભાગરૂપે ૧૫ ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડિત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્યાતિભવ્ય રથમાં સવારી નીકળી હતી.
કોવિડ ૧૯ના કારણે આ વખતે સવારીમાં કોઇ જ ફ્લોટ રાખવામાં આવ્યા ન હતા. પરંતુ શિવભક્તો બેન્ડ વાજા અને ઢોલ-નગારાની સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ભજન મંડળીઓ, શિવજીની આરાધના કરતા ભજનો, સ્તુતીઓ સાથે વિવિધ પોળોમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શિવજી કી સવારીએ માર્ગો ઉપર અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું હતું. સવારીનું માર્ગમાં ઠેર ઠેર આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભવ્યાતિભવ્ય નીકળેલી શિવજી કી સવારીથી સમગ્ર શહેર શિવમય બની ગયું હતું.