દાહોદઃ ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. રાજકોટથી રાણાપુર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ગઈ કાલે પંચેલા ગામે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 31 વર્ષીય પુરુષ તેમજ 68 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


બનાસકાંઠામાં દિયોદરના સુરાણા પાસે અકસ્માતની ઘટના પણ બની છે. કૂતરો વચ્ચે આવતાં ગાડી પલટી મારી ગઈ હતી.  દિયોદરની 60 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ડ્રાઈવરને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. મૃતકના પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


અમદાવાદ લીંબડી હાઇવે પર ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બગોદરા નદી પરના ગોગાપુલ પાસે ખાનગી લકઝરી બસ અને ડમ્પરનો અકસ્માત થયો હતો. જામનગરથી સુરત જઇ રહેલી ખાનગી લક્ઝરી બસ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છ વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી છે. ૧૦૮ વાન બગોદરા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતા બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. 


સુરતમાં ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ જિન સામે અકસ્માત  સર્જાયો હતો. બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત  સર્જાયો હતો. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  પલસાણા તાલુકાના ચલથાણ નજીક હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. મુંબઈથી અમદાવાદ હાઇવે ટ્રેક પર કન્ટેનર પલટી ગયું હતું. કન્ટેનર પલટી જતા અકસ્માતમાં બે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. કરણ ગામ નજીક રોડ પર ખાડાને લઈ અકસ્માત થયો.


ભરૂચઃ  અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી સુરતની વચ્ચે અંસાર માર્કેટ નજીક બે બાઈક સવારને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. બાઈક સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 


અન્ય એક અકસ્માતમાં, ભરૂચથી જંબુસર જતા માર્ગ  પર  થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6 વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે.