વડોદરા: કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ખેડૂતને ધમકી આપવાના મામલે ચર્ચામાં આવ્યા છે. ખેડૂતને ધમકી આપવાને લઈને કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. અક્ષય પટેલે જાતિ વિષયક શબ્દો બોલી, ટાંટિયા તોડી નંખાવીસને ડમ્પરની ટક્કરે મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કરજણના લીલોડ ગામના ખેડૂત છગનભાઇ ચમરે આ અંગે ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે કહ્યું કે, અક્ષય પટેલ પોતાના ખેતરને કુવા પર જવા માટે અમારા ખેતરમાં મેટલ નાખી પાકો રોડ બનાવે છે. પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના મિત્ર છે ને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો તેવી અક્ષય પટેલે વાત કરી હતી.
તો બીજી તરફ આ વિવાદ સામે આવતા અક્ષય પટેલે કહ્યું કે, મે આવી ધમકી આપી નથી. આ ઉપરાંત જે ખેડૂતે મારા પર આક્ષેપ કર્યો છે તેમને હું ક્યારેય મળ્યો પણ નથી. જો એ મને મળ્યા હોય તો ગામના આગેવાનો સાથે વાતચીત કરી તેમને ન્યાય ચોકક્સ અપાવત. એમણે ફરીયાદ કોઈની ચડામણીથી કરી હશે. તેને હું વખોડુ છુ. સરકારની યોજના પ્રમાણે રોડ રસ્તા બની રહ્યા છે. તેમને લઈ ખેડૂતને કાઈ અડચણ રૂપ થયુ છે પરંતુ એ રોડ રસ્તાથી અનેક ખેડૂતોને ફાયદા માટે બનતા હોય છે.
Surat : નિષ્ઠુર જનેતા ટ્વીન્સ બાળક-બાળકીને તરછોડીને ફરાર થઈ જતાં ફિટકાર, પોલીસે શોધખોળ હાથ ધરી
સુરતઃ નિષ્ઠુર જનેતાએ ટ્વિન્સ બાળક-બાળકીને તરછોડી દીધા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નવી સિવિલમાં નવજાતને ત્યજી માતા ભાગી છુટી છે. પ્રસૂતિ સમયે પતિનું નામ પૂછતાં યુવતીએ ડોક્ટરોને લાત મારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ખટોદરા પોલીસે ફૂલ જેવા બે બાળકોને ત્યજી દેનારી માતાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, એક યુવતી નવી સિવિલ ખાતે પ્રસૂતિ માટે આવી હતી. જ્યાં યુવતીએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળક અને એક બાળકી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, યુવતી પ્રસૂતિ માટે આવતાં ડોક્ટર્સ દ્વારા તેમને તેમના પતિ અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે, આ સમયે યુવતી ઉશ્કેરાઇ ગઈ હતી અને ડોક્ટરને લાત મારી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જોકે, પ્રસૂતિ પછી યુવતી ફરાર થઈ ગઈ છે. યુવતી ફરાર થઈ જતાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નિષ્ઠુર જનેતાની તપાસ આદરી છે.