વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામે સોમવારે રાત્રે બનેલા હિટ એન્ડ રનના બનાવે ગ્રામજનોમાં ચકચાર જગાવી હતી. આ ઘટનામાં મેથી ગામના પટેલ નાગજીભાઈ ચતુરભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કરજણ – શિનોરના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના દીકરા ઋષિ અક્ષય પટેલે આ અકસ્માત કર્યો હતો. એક્સિડન્ટ કરીને ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અક્ષય પટેલ ફરાર થઈ ગયા છે. પોલીસના ચોપડે આ બાબતે મોડી રાત સુધી કોઇ નોંધ થઇ નથી.
મેથી ગામમાં બનેલા બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે,નાગજીભાઇ ચતુરભાઇ પટેલ નામના સિનિયર સિટિઝન સોમવારે રાતે પંચાયત ઘર પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલી કારના ચાલકે તેમને અડફેટમાં લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મેથી ગામના પટેલ નાગજીભાઈ ચતુરભાઈ મંદિરે દીવા બત્તી કરવા જતા હતા ત્યારે ધારાસભ્યના પુત્રે બેફમા કાર ચલાવીને ટક્કર મારીને તેમનું મોત નિપજાવ્યું હતું.
આ બનાવના પગલે ભેંગા થઈ ગયેલા લોકોએ કારચાલકને મેથીપાક પણ ચખાડયો હોવાની વિગત જાણવા મળી છે. અકસ્માત કરનાર કારચાલક ભાજપના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો પુત્ર ઋષિ હોવાથી પોલીસના ચોપડે મોડી રાત સુધી કોઇ નોંધ થઇ નથી. ઋષિ અક્ષય પટેલ ગાડી લઇ બેફામ દોડાવીને નારેશ્વર તરફથી આવતા કુરાલી તરફ જતા હરતા ત્યારે મેથી ગામે અકસ્માત નડ્યો હતો.
આ બનાવ અંગે ભાયલી ખાતે રહેતા મૃતક નાગજીભાઈ ચતુરભાઈ પટેલના ભાણેજ મિનેષ પટેલે કહ્યું હતું કે, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ લેવામાં આનાકાની કરતી હોવાથી મારે પોલીસ સ્ટેશને આવવું પડયું હતું. તેમણ કહ્યું કે,ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધવા પોલીસ સમક્ષ મેં રજૂઆત કરી છે પણ પોલીસ ફરિયાદ લેતી નથી.