વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. ત્યારે બુટલેગરો લોકડાઉન વચ્ચે દારૂની હેરાફેરી કરતા હોવાની કેટલીક ઘટનાઓ છેલ્લા થોડા દિવસમાં સામે આવી છે. લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરી માટે બુટલેગરો અલગ અલગ કિમીયા અજમાવી રહ્યા છે. જોકે, ગુજરાત પોલીસે તેમના આ કિમીયા ચાલવા દીધા નથી અને તેમને પકડી પાડવામાં આવ્યા છે.




આજની વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પશુ આહાર લગાવેલી આઇસરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. કિશનવાડી , ઝંડા ચોક ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આઇસર ટેમ્પા માં ઘાસ નીચે છુપાવીને વિદેશી દારૂની કરવામાં આવી રહેલી હેરાફેરી ઝડપી પાડી છે. બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે લોક ડાઉન દારૂ ઝડપી પાડી કેસ કર્યો છે.



આવી જ રીતે ગઈ કાલે 13 તારીખે અમદાવાદમાં શાકભાજીના લોડીંગ ટેમ્પામાંથી દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. ગીતા મંદિર સર્કલ નજીક બિનવારસી હાલતમાં લોડિંગ ટેમ્પોમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની અંદર 360 લીટર દેશી દારૂ અલગ અલગ 10 જેટલા કોથળામાં હતો. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



આ પહેલા ગત 9મી એપ્રિલે અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઇ હતી. નરોડા પોલીસે નાના ચિલોડાથી બે આરોપીને એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડ્યા હતા. આ પહેલા ગત 28મી માર્ચે સેનેટાઇઝરની આડમાં એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતાં બે બુટલેગર પકડાયા હતા.