વડોદરાઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતપોતાના મત વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની ટિકિટ પર અક્ષય પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પણ પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. જોકે, તેમને પ્રચાર દરમિયાન મતદારોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.


મળતી વિગતો પ્રમાણે કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષપલ્ટું અક્ષય પટેલને મતદારો સણસણતા સવાલો કરી રહ્યા છે અને રોષ પણ ઠાલવી રહ્યા છે. મત માંગવા જતાં મતદારો કરે છે સવાલ, ચૂંટાયા પછી અમારા ગામ મા આવ્યા છો ક્યારેય?



નવી જીથરડી ગામમા પાટીદાર મતદારોએ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ સામે સવાલ ઉઠાવ્યા હતા. અમે મત તો તમને આપ્યા હતા તેમ છતાં ચૂંટાયા પછી અમારા ગામમાં નથી આવ્યા. અમારું એક પણ કામ તમે નથી કરાવ્યુ, મતદારોએ તેમ કહીને રોષ ઠાલવ્યો હતો. આમ, ચૂંટણી પ્રચારમાં જ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ભેરવાયા છે.