વડોદરા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ મૌલિન વૈષ્ણવનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કોંગ્રેસ સેવાદળમાં પણ તેમણે સેવા આપી છે. કોંગ્રેસના કાર્યકર તરીકે પક્ષને મજબૂત બનાવવાનું કામ તેમણે કર્યું હતું. મૌલિન વૈષ્ણવનું નિધન થતા ગુજરાત કૉંગ્રેસ દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી લખ્યું, દુઃખદ સમાચાર : અમારા સાથી, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પુર્વ પ્રમુખ અને મેરીટાઇમ બોર્ડના પુર્વ ચેરમેન શ્રી મૌલિનભાઈ વૈષ્ણવના સ્વર્ગવાસથી એક મોટી ખોટ પડી છે. વિદ્વાન, મિલનસાર અને ચુસ્ત કોંગ્રેસી શ્રી મૌલિનભાઈની લાગણી હંમેશા મારા સાથે હતી . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. ઓમ શાંતિ.🙏
સેવાદળને પણ સમગ્ર ગુજરાતમાં મજબૂત બનાવ્યું
મૌલિન વૈષ્ણવ સેવાદળના પૂર્વ પ્રમુખ હતા. સેવાદળને પણ સમગ્ર ગુજરાતમાં મજબૂત બનાવ્યું હતું જ્યારે કોઈપણ કોંગ્રેસના આગેવાનો ગુજરાતની મુલાકાતે આવ્યા હોય અથવા તો કોંગ્રેસના કાર્યક્રમો દરમિયાન સેવાદળ દ્વારા પ્રારંભમાં સલામી અને એકતાનું ગીત ગાવામાં આવતું હતું તેની કાર્યકરોને તાલીમ પણ સ્વર્ગસ્થ મૌલિનભાઈ વૈષ્ણવ આપતા હતા.
કોંગ્રેસના તમામ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા
મૌલિનભાઈ વૈષ્ણવ કોંગ્રેસના તમામ આગેવાનોના માનીતા કાર્યકર બન્યા હતા. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના એક પરિવાર જન તરીકેની આગવી ઓળખ પણ હતી. વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવા આપી હતી. આ સિવાય તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે તેમજ મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ વર્ષો સુધી રહ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial