વડોદરા: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો ગરમાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કડીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા. તાલુકા પોલીસે ત્રણેયને નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. એસપી રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. એસપીએ સંતોને પૂછ્યું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?


તો બીજી તરફ આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી. જિલ્લા પોલીસ વડાએ આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. હવે આ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પાસેથી આંચકી લેવાઈ છે.




ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટા ફરતાં થયા 


તો બીજી તરફ સોશિયલ મીડીયામાં પણ ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટ ફરતાં થયા છે. સોખડા હરિધામના ગુણાતીતચરણ સ્વામીની હત્યા? તેવા સવાલ સાથેનો ફોટો વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો ફોટો પણ વાયરલ થયો છે.


બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો
બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં વાવના ઢીમાની સંસ્કાર ઉમા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર હુમલો થતા શાળામાં અફરાતફરી મચી ગઇ હતી. 15 દિવસ અગાઉ શાળામાં બે છાત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ છાત્રના પિતાએ મનદુઃખ રાખી બીજા છાત્ર પર હુમલો કર્યાનો આરોપ છે. વર્ગખંડમાં ઘૂસી છાત્ર પર લોખંડના સળિયા વડે હુમલાની ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.


વીડિયોમાં જોઇ શકાય છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જ બે શખ્સો વર્ગખંડમાં પ્રવેશે છે.જેમાં એક વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો છે અને આ વ્યક્તિ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને તેના પર હુમલો કરવા લાગે છે. ત્યારે તે વિદ્યાર્થી સળિયાના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી વર્ગખંડમાંથી ભાગી બહાર નીકળી જાય છે. હુમલાની ઘટનાને લઈ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.