Heart Attack Case: રાજ્યમાં એક પછી એક યુવાનો છાતીમાં દુઃખાવો થયા બાદ મોતને ભેટી રહ્યાં છે. હાલમાં જ માહિતી મળી છે કે, વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ દરમિયાન એક આરોપી યુવાનનુ મોત થયુ છે, 29 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. 




મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં વધુ એક ચોંકાવનારી મોતની ઘટના સામે આવી છે. ગઇકાલે શહેરના એક 29 વર્ષીય યુવાન જેનુ નામ યજ્ઞેશ ચૌધરી છે, તેને ક્રાઇમ બ્રાન્ચે એક ચોરીના ગુનામાં પુછપરછ માટે બોલાવ્યો હતો. જ્યારે યજ્ઞેશ ચૌધરીની પુછપરછ થઇ રહી હતી, તે દરમિયાન રાત્રે 11 વાગે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, યજ્ઞેશને ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં થયેલી બાઇકની ચોરી અંગે પુછપરછ કરાઇ રહી હતી, છાતીમાં દુઃખાવો ઉપડતા તેને નજીકની જમનાબાઇ હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં યુવાન યજ્ઞેશનું સારવાર દરમિયાન મોત થયુ હતુ, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


હાર્ટ એટેક શું છે


હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.


યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?


આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.