Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં તેઓ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.  આ દરમિયાન રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જ્યાં કેજરીવાલે 1 કિ.મી.નો રોડ શો કર્યો હતો. કેજરીવાલે કેમ છો સાથે સંબોધન શરૂ કર્યું હતું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,  હું કટ્ટર ભક્ત છું. મારો જન્મ જન્માષ્ટમી દિવસે થયો હતો. ભગવાને મને કંસની ઓલાદોનો નાશ કરવા અને આ લોકોથી મુક્તિ અપાવવા મોકલ્યો છે. હવે જનતા પરિવર્તન માગે છે. મને ગમે તેવી નફરત કરો, પણ ભગવાનનું અપમાન કરશો તો ભગવાન નહીં છોડે.


 






પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, અમે ગુજરાતમાં અનેક શહેરોમાં ફર્યાં છીએ. લોકો પરિવર્તન માગે છે. પંજાબમાં અમને બહુમતી મળી છે. ઝાડ પણ પત્તા બદલે છે. હવે આ સરકારને બદલો. 8700 સરકારી નોકરી પંજાબમાં આપીને આવ્યો છું. અમે તમારા સપનાને તૂટવા નહીં દઇએ. તમે આમ આદમી ને સત્તા ઉપર લાવો. ચૂંટણીને 50 દિવસ બાકી રહ્યા છે. તૈયાર થઇ જાવ. પછી પાંચ વર્ષ અમે તમારા કામ કરીશું. 


અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તોડફોડ


આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલના આગમનને લઈને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટર


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.  પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.