વડોદરા: શહેરના પ્રતાપ નગરના ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલ દ્વારા ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. પાણીગેટ વિસ્તારમાં રહેતા રિઝવાન પઠાણનો 9 વર્ષીય પુત્ર રેહાન ડભોઇ રોડ સ્થિત ઝેનીથ સ્કૂલમાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. તેના પિતા રિઝવાન અને માતા નિલોફર પઠાણે શાળા પર આરોપ લગાવ્યા છે કે, તેઓએ આર્થિક સંકડામણને કારણે ફીનો ત્રીજો હપ્તો ભર્યો ન હતો જેને કારણે શાળાના સંચાલકોએ રેહાનને 4 કલાક લાયબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. જેથી બાળકને માનસિક આઘાત લાગ્યો હતો અને બે દિવસથી બીમાર પડી ગયો હતો. આ મામલે પરિવાર ડી.ઇ.ઓ અને પોલીસમાં ફરિયાદ કરશે.
તો બીજી તરફ શાળા સંચાલકોએ તો બધી હદો પાર કરી દેતા નિવેદન આપ્યું કે વિદ્યાર્થીના પરિવારજનો ફી ભરતા ન હતા અને ફોન ઉપાડતા ન હતા તેથી તેના પરિવારજનો મળવા આવે એટલે પાઠ ભણાવવા તેમના બાળકને લાયબ્રેરીમાં બેસાડી રાખ્યો હતો. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે પણ આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી શાળા સામે તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના પરિવારની ફી ન ભરવી અને શાળા દ્વારા ફી માટે કરાતા તમામ પ્રયાસો વચ્ચે કુમળા બાળકને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો છે.
...તો ગુજરાતની આ શાળાઓની NOC રદ્દ કરશે રાજ્ય સરકાર
અમદાવાદ: રાજ્યમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો મામલો હવે ગરમાવા લાગ્યો છે. જાહેરહિતની અરજી પર હાઈકોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તેનો સવાલ હાઈકોર્ટે કર્યો હતો. ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યૂ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. સરકારે એમ પણ કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત નહીં ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરાશે. રાજ્યની 23 શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. હવે આ મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરી હાથ ધરાશે. હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય લે
પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.